પ્રેમી પ્રેમિકાના ઘણા યુવાન યુગલોને ઘરેથી ભાગીને લગ્ન કરતા તમે જોયા હશે. પરંતુ આજે અમે તમને એવા કપલનો પરિચય કરાવીશું જેઓ ભગવાનનું નામ લેવાની ઉંમરે ઘરેથી ભાગી ગયા,તે પણ હરિદ્વારથી.આ અનોખી પ્રેમ કહાની ઉત્તર પ્રદેશના અમરોહાના સૈદંગલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતા બે વૃદ્ધ યુગલની છે.
જેમાં વૃદ્ધ પુરુષ તેમનું નામ રાધેશ્યામ (નામ બદલ્યું છે) જેઓ ૯ બાળકોના પિતા છે.તેમની પત્નીનું ૨૯ વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી તે એકલવાયું જીવન જીવે છે. જ્યારે કલાવતીબહેન (નામ બદલ્યું છે) ૬ બાળકોની માતા છે.તેમના પતિનું પણ ૩૦ વર્ષ પહેલા અવસાન થયું હતું.રાધેશ્યામ અને કલાવતીબહેનની પ્રેમ કહાની ૨૧ વર્ષ પહેલા શરૂ થઈ હતી.
ત્યારથી બંનેનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું.જો કે,બાળકો, પરિવાર અને સમાજની શરમ અને દબાણને કારણે બંને એક થઈ શક્યા ન હતા.પરંતુ પછી બંનેએ ભાગવાનો એવો પ્લાન બનાવ્યો કે બધા જોતા જ રહી ગયા.સંબંધીઓએ જણાવ્યું કે ૨૯ જુલાઈના રોજ અમાવસ્યાના દિવસે લગભગ ૧૫ લોકો હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવા ગયા હતા.આમાં આ વૃદ્ધ દંપતી પણ સામેલ હતું.
હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરીને બાકીના લોકો ગામમાં પાછા ફર્યા.પરંતુ આ પ્રેમી યુગલે તેમનો નવો રસ્તો પસંદ કર્યો.હવે પરિવારના સભ્યોને આ વૃદ્ધ દંપતીની હરકત પર વિશ્વાસ નથી.સાથે જ તેમના દીકરા-દીકરીઓ સમાજમાં ક્ષોભની લાગણી અનુભવી રહ્યા છે. ગામમાં તેમની ખરાબ પ્રતિષ્ઠા થઈ રહી છે.આ અંગે ગામમાં પંચાયત પણ બેઠી હતી.
બીજી તરફ ઈન્સપેક્ટર-ઈન-ચાર્જનું કહેવું છે કે અમને હજુ સુધી આ મામલે કોઈ માહિતી મળી નથી.જો કોઈ ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.