ઈંદોરના રાધિકા કોલોની સુખલિયામાં રહેવાવાળા દંપતી ઓમપ્રકાશ અને સુરજા નગવંશીના ચાર દીકરા છે. આ બધાના લગ્ન થઈ ગયા છે, સૌથી મોટો દીકરો કમલેશ ટેલરિંગનું કારખાનું ચલાવે છે. બીજો દીકરો દિપક ટ્રેજર આઇલેન્ડમાં નોકરી કરે છે. ત્રીજો દીકરો ઇલેક્ટ્રિશિયન છે. તો ચોથો દીકરો પણ સારી નોકરી કરે છે. કહેવાનો મતલબ એટલો જ કે ચારે દીકરા આર્થિક રીતે સધ્ધર છે. પણ ચારમાંથી એકપણ પોતાના માતા પિતાને સારી રીતે રાખી શકતા નથી.
દંપતીનો આરોપ છે કે જ્યારથી તેઓએ તેમનું બે માળનું મકાન ચાર પુત્રોને રહેવા માટે આપ્યું છે, ત્યારથી તેઓ બધા તેમની અવગણના કરવા લાગ્યા. પુત્રવધૂઓ તેમની સાથે ખરાબ વર્તન કરવા લાગી. ઘરમાં તેઓની જોડે કચરા અને પોતા કરવા જેવા કામ કરાવવા લાગ્યા. બીજા માળ સુધી ડોલથી પાણી ભરવાનું કામ કરાવવામાં આવ્યું હતું. જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે પણ તેમને કોઈ સારવાર ન મળી. દીકરાઓ મા-બાપને રાખવામાં શરમ અનુભવતા. અમારા બધા બાળકો નકામા છે આવું એ દંપતીનું કહેવું છે.
પરિસ્થિતિ એવી થઈ ગઈ કે વૃદ્ધ માતા-પિતા ભંડારાનું ખાવાનું ખાઈને જીવન જીવવા લાગ્યા. તેઓ રૂ.5ની રસીદ કાપીને ઈન્દોરના પટનીપુરા સ્થિત સાંઈ બાબા મંદિરની ભોજનશાળામાં ભોજન લે છે. ક્યારેક કોઈ સંબંધી તેમને પૈસાની મદદ કરે છે. જ્યારે દંપતી તેમના સંબંધીના ઘરે જવાનું શરૂ કર્યું હતું. તેણે તેમને આખી વાત કહેવાનું શરૂ કર્યું. જેથી પુત્રોએ પિતાને ધમકી આપી હતી કે પુત્રવધૂની છેડતીના આરોપમાં તમને અંદર કરી દઇશું.
જ્યારે આ બધુ ખૂબ આગળ વધવા લાગ્યું, ત્યારે દંપતી કંટાળીને નવેમ્બર 2019 માં એડવોકેટ ક્રિશન કુમાર કુન્હારેને મળ્યા. તેમની મદદથી તેમણે તેના ચાર પુત્રો પર કેસ કર્યો. હવે શુક્રવારે (29 જુલાઈ) કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ચારેય પુત્રોને માતા-પિતાના ભરણપોષણ માટે 1.92 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ સાથે એવું કહેવામાં આવે છે કે દરેક પુત્ર તેના માતાપિતાને દર મહિને 1500 રૂપિયા આપશે (એટલે કે બધા મળીને દર મહિને કુલ 6 હજાર રૂપિયા). આ ઉપરાંત કોર્ટે પુત્રોને દંપતીના કેસમાં ખર્ચવામાં આવેલા 2,000 રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની જવાબદારી પુત્રોની છે. અને તમામ પુત્રો પણ આર્થિક રીતે સદ્ધર છે. બીજી બાજુ, જ્યારે દંપતીએ તેમની આખી વાત મીડિયાને સંભળાવી, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા.