સમયની રીતે એક દીકરો એ પિતાની અર્થીને ખભો આપતો હોય છે. પણ ઘણીવાર આનાથી ઊંધું થઈ જતું હોય છે. દીકરાના મૃત્યુ પર પિતાને દીકરાને ખભો આપવો પડે ત્યારે તેના પર દીકરાને ગુમાવી દેવાનું દુખ પણ હોય છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એવા જ એક સમાચાર આવ્યા છે. અહિયાં એક પિતાએ પોતાના જવાન દીકરાને ગુમાવી દીધો છે. પણ તેમાં સૌથી વધુ હેરાન કરવાવાળી વાત એ છે કે દીકરાના મૃત્યુના થોડી જ મિનિટ પછી પિતાને વૉટ્સએપ પર એક મેસેજ આવે છે. આ મેસેજમાં એવી વાત લખેલી હતી જે વાંચીને પિતા ચોંકી જાય છે.
હકીકતમાં આ અકસ્માત રવિવારે ભોપાલ-નર્મદાપુરમ રેલવે ટ્રેક પર થયો હતો. મૃતકની ઓળખ નિશંક રાઠોડ (પિતા ઉમાશંકર રાઠોડ) તરીકે થઈ છે. તે મૂળ રાયસેનનો હતો. તે ભોપાલની ઓરિએન્ટલ કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. નિશંકનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે બે ભાગમાં કપાયેલો મળી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અકસ્માત બાદ રવિવારે રાત્રે જ મૃતકના પિતાના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ આવ્યો હતો.
તે મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, રાઠોડ સાહેબ, તમારો પુત્ર ઘણો બહાદુર હતો. ગુસ્તાખ-એ-નબીની માત્ર એક જ સજા, માથું અલગ કરી દેવામાં આવ્યું.’ હાલ પોલીસ આ સમગ્ર મામલાને આત્મહત્યા માની રહી છે. પરંતુ પિતાનો દાવો છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આ બાબતની મૂળથી તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે અકસ્માત સ્થળેથી વિદ્યાર્થીની સ્કૂટી અને મોબાઈલ પણ કબજે કર્યા છે.
નિશંક ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શાસ્ત્રીનગરમાં હોસ્ટેલમાં રહેતો હતો. તે રવિવારે હોસ્ટેલમાંથી ગુમ થયો હતો. ત્યારબાદ થોડા સમય બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જોકે, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નિશંકના મોત બાદ તેનો મોબાઈલ કોણ ઓપરેટ કરી રહ્યું હતું. કદાચ આ વ્યક્તિએ તેના પિતાને સંદેશો મોકલ્યો હશે.
પોલીસને શંકા છે કે નિશંકે આત્મહત્યા કરી છે. કારણ કે વિદ્યાર્થીએ ક્રિપ્ટો કરન્સીમાં પૈસા રોક્યા હતા. પરંતુ તેને નુકસાન સહન કરવું પડ્યું હતું. કદાચ આ કારણે તેણે નિરાશ થઈને આ પગલું ભર્યું હતું. નિશંકની વિદાય બાદ પરિવારમાં શોકનો માહોલ છે. બે બહેનોમાં તે એકમાત્ર ભાઈ હતો. સમાચાર મુજબ, તે તેની બહેનને મળવાનું કહીને જ તે દિવસે હોસ્ટેલ છોડી ગયો હતો. પણ પછી ખબર નહીં શું થયું, રસ્તામાં જ તેની લાશ મળી આવી. હવે પોલીસ આત્મહત્યા અને હત્યા બંને એંગલથી કેસની તપાસ કરી રહી છે.